અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ * Anil Joshi

🥀🥀

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે….

~ અનિલ જોશી (28.7.1940)

જન્મદિને કવિને સ્નેહવંદના

કલરવની વિદાય – લતા હિરાણી

કવિ શ્રી અનિલ જોશીના અનેક યાદગાર અને લોકપ્રિય ગીતોમાનું આ એક, જેમાં ભાવક એમાં નખશિખ ભીંજાઇ રહે. ગોધૂલિ વેળા છે. ઢોલ ઢબૂકે છે અને જાન ઉઘલે છે. જુઓ, ‘જાન ઉઘલે છેઆ શબ્દો વાપરીને તથા પૈડું સીંચવાની વિધિ કે દીવડો લઈને પાછી આવતી સ્ત્રીઓની વાત કરીને કવિએ  સૌરાષ્ટ્રના ગામડાનું જાનવિદાયનું જીવંત, જાનદાર દૃશ્ય ચિત્ર આંખ સામે ખડું કરી દીધું છે. અને કન્યાવિદાયના વર્ણનમાં કરૂણરસ બે કાંઠે છલકાવ્યો છે.

જાનડીઓને દીકરો પરણાવ્યાનો અને નવી વહુ લઇ જવાનો હરખ છે એટલે ગીતોની છોળ ઊડે છે. આ સાથે આપણે કલ્પી જ શકીએ કે શણગારેલા બળદો અને એવાં જ શણગારેલા ગાડામાં કન્યા ઘૂમટો તાણીને બેઠી હશે. અહીં સુધીની વાત ખુશીની અને આનંદની છે. પછીનું ચિત્રણ બહુ વસમું છે !!

કેસરિયાળો સાફો પહેરી મહાલતા વરરાજા માત્ર કન્યાને નહીં ઘરના કલરવ કરતા ફળિયાને લઇને જાય છે. એક દીકરી બાપના ઘરને કેવું ગુંજતું રાખે એ વાત તો જેને દીકરી હોય અને જેણે દીકરી વળાવી ઘરનો સુનકાર ભાળ્યો હોય એ જ સમજી શકે. માત્ર ઘર જ નહીં, બાળપણમાં દોડાદોડી કરીને ગજાવેલી આખી શેરી પણ એના જવાથી સૂનકારમાં ડૂબી ગઇ છે. બાળપણથી જે સખીઓ સાથે આંબલી પીપળી કે સંતાકૂકડી રમી છે એ બધી રમતો, વાતો, એ બધા મનભાવન દૃશ્યો દીકરીની આંખ સામેથી હડસેલાતાં જાય છે. જાણે એ દિવસો હવે કદી નહીં આવે !!

કન્યાના રુંવાડામાં જ નહીં, ઘરચોળાની ભાતમાંયે ફફડાટ ભર્યો છે. ઘૂમટામાં નહીં રોકી શકાતા ડૂસકાંઓ અને વહ્યે જતા આંસુઓ બાળપણને, પિયરને  કેમેય આઘું કરી શકતા નથી. પિયરિયાં જાન વળાવી પાછા આવે છે અને એના ધ્રુજતા હાથોમાં દિવડો પણ થરથર કાંપે છે. ખડકી પાસે ઊભાં રહીને મા-બાપ અજવાળાને ઝંખે છે કારણ કે દીકરી ગઇ ને ઘરની ટમટમતી જ્યોત ગઇ !! માત્ર માબાપ કે ભાઈબહેન નહીં, શેરી આખી સૂનકારમાં ડૂબી ગઈ છે એ બતાવી નાના ગામડાની કુટુંબભાવનાના દર્શન કરાવ્યા છે. દીકરી કોઈ એક ઘરની નહીં, આખી શેરીની કે ક્યારેક તો આખા ગામની હોય!  

સાસરિયું હંમેશા અગમ્ય રહ્યું છે. ન જાણે સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી કેવાં નીકળે એ ભય લગભગ પરણતી દરેક કન્યાને, એનાં માતાપિતાને રહેતો. (આજે પણ રહેતો હશે?) જેમ સાહ્યબાની વાટ જોતાં કે વ્હાલમના વિયોગના અનેક ગીતો લખાયા છે એમ સાસરે દુખનાં કેવાં ઝાડ ઊગે છે એના ગીતો આપણા લોકસાહિત્યથી માંડીને આપણા અનેક જાણીતા કવિઓની કલમેથી મળી આવે છે…

અહીં કવિએ કન્યાવિદાયના દૃશ્યની જે કલ્પના કરી છે, કન્યા અને એના માતાપિતાના મનોભાવોનું જે આબેહૂબ ચિત્રણ કર્યું છે એ કાબિલેદાદ છે. એક પુરુષ થઇને સ્ત્રીના મનોજગતમાં પ્રવેશવું અને એને કાવ્યમાં ઉતારવું એ સિદ્ધિ છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 75 > 26 ફેબ્રુઆરી 2013

જુઓ સર્જક અનિલ જોશી (પરિચય)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ * Anil Joshi”

  1. ખૂબ જ આનંદ, ગઈ કાલે શ્રી અનિલ જોષી સાહેબ ને રુબરુ મળવાનું થયું. શુભેચ્છાઓ કવિ શ્રી ને.

  2. દિલીપ જોશી

    કવિશ્રી અનિલ જોશી નું યાદગાર ગીત વરસો પછી વાંચવાની મજા આવી.આજે વરિષ્ઠ કવિ શ્રી ના જન્મ દિવસે એમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે પ્રણામ.
    આ ગીતનો તમે કરાવેલો આસ્વાદ પણ સુંદર છે.ગીતને તમે ભાવકો માટે સાવ સરળ અને સહજ રીતે ખોલી આપ્યું છે.તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.🌹🌺🌹

  3. Varij Luhar

    ખૂબ સરસ ગીત અને આસ્વાદ.. કવિશ્રી અનિલ જોશીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂

Scroll to Top