મન થયું
તરછોડયો જ્યારે આપે હસવાનું મન થયું
બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.
ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું.
દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું.
~ અમર પાલનપુરી
મિત્રો
ભૂલ્યા કેમ ભુલાશો મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !
ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
ઇર્ષ્યા જ્યારે આળસ મરડે
પડખે રહેલાં ફૂલો કરડે
ધોઇ નાખ્યા હાથ સ્વજનથી
કોણ હવે શત્રુમાં ખરડે ?
મેરુનો મહિમા ગાનારા
અંજાયા છે એક ભમરડે
કહેશે કોણ ઝવેરી તમને
ફેંકી દીધાં રત્ન ઉકરડે !
~ અમર પાલનપુરી

ખૂબ જ સરસ ટુંકી બહેરની ગઝલો. સ્નેહ યાદ કવિને.