અમૃત ઘાયલ ~ છે કાંઈ જિંદગીમાં Amrut Ghayal

છે કાંઈ જિંદગીમાં, તો છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.

મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?

મુજને ડુબાવનારા મારા છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.

જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મેમાન છે હજારો ને એક છે ઉતારો.

દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.

જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.

એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.

ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ઘાયલ તારો છે તિખારો.

~ અમૃત ઘાયલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top