અમૃત ઘાયલ ~ તલ તિલક & મુકામ તરફ * Amrut Ghayal

🥀 🥀

મુગટ શું છે

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !

~ અમૃત ઘાયલ

મુકામ તરફ

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી ,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઇ જનાજો જવાન પ્યાસ તણો!
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટિ ફકત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ કયાંથી!
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટિ,
કે ફાટી આંખથી જોતાં રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરામ તરફ.

જો હોય શ્રધ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપ મેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ, 
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

~ અમૃત’ઘાયલ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “અમૃત ઘાયલ ~ તલ તિલક & મુકામ તરફ * Amrut Ghayal”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અમૃત હોવા છતાં જે ઘાયલ થઈ જાય અને આપણને પણ વીંધી નાખે એવી બળવાન ગઝલો

Scroll to Top