અમૃત ઘાયલ ~ દરિયો Amrut Ghayal

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.

દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.

કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !

જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !

ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.

બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !

~ અમૃત ઘાયલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “અમૃત ઘાયલ ~ દરિયો Amrut Ghayal”

  1. વાહ, સુંદર ગઝલ. મને મારી જ ગઝલ યાદ આવી ગઈ.
    ઉમળકો કરીને ધસી આવે મળવા,
    કિનારેથી પાછો વળી જાય દરિયો.
    ઉદરમાં ભરેલી કોઈ આગ રાખી,
    કહો ‘સાજ’ શાને બળી જાય દરિયો.

Scroll to Top