થઈ ગયો છે
દુભવવું એ દુનિયાનો ક્રમ થઈ ગયો છે
તડપવું એ દિલનો નિયમ થઈ ગયો છે.
અમારા જ હાથે, અમારા જ માથે
ઘણીવાર ભારે સિતમ થઈ ગયો છે.
ઘણી વાર વેરણ દયા થઈ ગઈ છે
ઘણી વાર વેરી ધરમ થઈ ગયો છે.
નથી આંખમાં છાંટ સુદ્ધાં શરમની
જમાનોય શો બેશરમ થઈ ગયો છે.
~ અમૃત ઘાયલ
કવિને જન્મદિને સ્મૃતિવંદના
દિલ આમ છે
દિલ આમ છે દીવાનું છતાં દર્દ મંદ છે
કિસ્મત એ કમનસીબનું ભારે બુલંદ છે!
એને પસંદ છું કે નહી રામને ખબર
છે એટલી ખબર કે મને એ પસંદ છે.
જો સાંભળે તો દંભીઓ દાવો કરે નહીં
મારી કને સચોટ દલીલ એવી ચંદ છે.
બેહોશી, ચાલ, કામ નથી આપણું અહીં
કે જેટલા અહીં છે, બધા હોશમંદ છે.
‘ઘાયલ’ ઘમંડ છોડો, ખુશામદથી કામ લો
નહિ રીઝે બંદગીથી ખુદા, ખુદ પસંદ છે.
~ અમૃત ઘાયલ
કવિને જન્મદિને સ્મૃતિવંદના

બંને ગઝલ ગમી. ગાય સાહેબને વંદન.
બન્ને ગઝલ ખુબ સરસ વંદન