ખરું કહું તો એ કંટક નથી, ગુલાબ નથી
જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી
ખરાબ દૃષ્ટિથી ભાસે છે સારું વિશ્વ ખરાબ
નજર ખરાબ નથી તો, કોઈ ખરાબ નથી.
તને પીતાં નથી આવડતો, મૂર્ખ મન મારાં
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?
વિજયપરસ્તને ‘ઘાયલ’ હું કેમ સમજાવું?
કે કામિયાબ, હકીકતમાં કામિયાબ નથી!
~ અમૃત ‘ઘાયલ’
