અલ્પેશ કળસરિયા ~ એટલી પ્રગતિ & કોણે મને * Alpesh Kalsariya  

ગઝલ  

એટલી પ્રગતિ તો ના કાયા કરે,
એની ઈર્ષ્યા એના પડછાયા કરે !

થડ નીચે બેસે તો નોખી વાત છે,
વૃક્ષ દોડીને નહીં છાયા કરે….

ટાંકણાંને શિલ્પ ખુદ ઘડતું હતું,
એ નથી સર્જક જે દેખાયાં કરે !

તેજની અભાનું ત્રાટક શું કહું,
દૃશ્ય પણ આંખોથી અંજાયાં કરે !

પારદર્શક જો ખરેખર જાત થાય,
ખુદ અરીસો આવી બિંબાયા કરે !

સ્વર્ગ સળગી જાય છે આ શાપથી,
કોણ કેવું છે એ સમજાયાં કરે…

એક સપનું રોજ હું કાપ્યા કરું…
એક સપનું રોજ કોળાયા કરે !

હૂંફ મીઠી કોઈ દી આવી નહીં,
વાયરા તો ઠીક છે વાયા કરે…

મારા ટુકડાઓ જ મારા પગ તળે,
રોજ વેરાઈને કચરાયા કરે…..

હોય જો સાચી હૃદયમાં આસ્થા,
તો ‘મરા’માં ‘રામ’ સંભળાયાં કરે !

એ કવિ ‘અલ્પેશ’ હોવો જોઈએ,
એકલો ને એકલો ગાયા કરે !

~ ડૉ. અલ્પેશ કળસરિયા

ગઝલ  

કોણે મને ખરાબ કર્યો પૂછતાં હતા,
એને કહું હું કેમ? “તમારુંય નામ છે!”

થીજી જતાં જો આવડે એમાં નિવાસ કર,
આંસુમાં કોતરેલું કવિતાનું ગામ છે!

ગોકુળથી કાંઈ ઓછું નથી લીલું ઝાડવું,
પંખી કરે છે ટહુકા એ રાધા ને શ્યામ છે!

‘અલ્પેશ’ જાતરાએ જવાની જરૂર શું,
મા-બાપનાં ચરણમાં અહીં ચાર-ધામ છે! ~

~ ડૉ. અલ્પેશ કળસરિયા

ત્રીજો શેર બહુ ગમ્યો અને પાંચમાં શેર વગર ચાલત !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “અલ્પેશ કળસરિયા ~ એટલી પ્રગતિ & કોણે મને * Alpesh Kalsariya  ”

  1. ડો. અલ્પેશ કળસરિયા

    જી આપનો ખૂબ જ આભારી છું, વંદન.

Scroll to Top