શબ્દ થઈને છેતરું એવો નથી,
અર્થ માફક અવતરું એવો નથી.
ક્ષણ બધીયે સાચવું છું એટલે-
હું અકારણ સાંભરું એવો નથી.
વ્યગ્રતા બિરદાવી સ્હેલી નથી,
શું કરું? કહેતો ફરું એવો નથી.
ઝાંઝવાં બસ ઝાંઝવાં છે ઝાંઝવાં,
હું હરણવત્ તરફડું એવો નથી.
કોઈ પુલક્તિ ઓષ્ઠના પોલાણમાં,
મૌન માફક વિસ્તરું એવો નથી.
કોઈપણ નિર્ણય કરી લે, છૂટ છે,
માર્ગ તારો આંતરું એવો નથી.
શક્ય છે હું સ્પર્શને એઠો કરું,
ને છતાં દોષિત કરું એવો નથી.
સ્પષ્ટ કારણ કોઈને કહેતો નથી,
જાતને હલકી કરું એવો નથી.
છું ગમે તેવો છતાંયે ‘અલ્પ’ છું,
શ્વાસ માટે કરગરું એવો નથી.
~ ‘અલ્પ’ ત્રિવેદી

સરસ ગઝલ. તખલ્લુસ સરસ રીતે ભળી ગયું.
માફી ચાહું છું પણ નવ-નવ શેરની ગઝલ છતાંય એકેય શેર નવસેરો બન્યો નથી. મોટાભાગના શેરમાં શેરિયત જણાતી નથી. ‘તરફડું’માં કાફિયાદોષ છે. ‘બિરદાવી’ના સ્થાને કદાચ ‘બિરદાવવી’ હશે- એ ટાઇપિંગની ભૂલ જણાય છે, અન્યથા છંદદોષ.
હમ્મમ
સરસ રચના