સાવ રે ગારાની મારી કાચી રે ભીંત; હજી ચોમાસું ચાર વેંત છેટું.
ધસમસતાં પાણીની ઝાઝેરી પ્રિત; હજી ચોમાસું ચાર વેંત છેટું.
છાતીના થાળા પર ફણીધર નાગ; અને રાત જાણે ભમ્મરિયો કૂવો.
ડાકલાં વગાડી મારી અંદરના ઝોડને; જીવતું કરે કોક ભૂવો.
ભર રે ચોમાસે મારી કાયાને ઠારવા; આય ને આકાશ જરા હેઠું
હજી ચોમાસું ચાર વેંત છેટું. નથ્ય દલમાં ચોમાસું હજી બેઠું.
દિવેલ ખૂટ્યાં; હવે ધીરજે ય ખૂટી; આવવાની વાતો એની જૂઠી,
બારણાંની સાંકળનો ખોંખરો સાંભળ્યો -ત્યાં; કમખાની કસ મારી તૂટી.
આવનારો ઉંબરની બહાર જ હજી -ને; એને વાવાઝોડું થૈ ને ભેટું
મારા ઘરમાં ચોમાસું પછી બેઠું. સખી રે…મોરી; ઘરમાં પછી ચોમાસું બેઠું.
– અશોકપુરી ગોસ્વામી
મોસમનો એક મિજાજ હોય છે અને એ અંગેઅંગમાં ઉતરી તોફાન જગાવે ત્યારે આવા કૈંક શબ્દો આવે. મોસમના રંગને ઝીલવા અનંગનું હૈયું જોઈએ અને યૌવનની પાંખો જોઈએ ત્યારે ઉન્માદી અવસ્થાની ઉડાન આંખોમાં ને મનમાં પ્રવેશે. ચોમાસું આમાં શિરમોર છે. ભલભલાને પ્રિયપાત્રના મિલન માટે તરસાવી દે એ તાકાત ચોમાસાની, વરસાદી ધારની છે. આકાશમાં વાદળાં ઘેરાય અને દુનિયાભરના પ્રેમીઓ મેઘને દૂત બનાવવા તલસી રહે. જો કે સમય જરા જુદો છે, વોટસ એપના સહારે વાદળ જલ્દી મોકલી શકાય છે એ ખરું પણ પલળવાનું યે વર્ચ્યુઅલી !!!!
1.7.22
Varij Luhar
02-07-2021
ચોમાસું ચાર વેંત છેટું.. વાહ વાહ
આભાર આપનો
02-07-2021
આભાર મેવાડાજી અને સરલાબેન…
અહીં મુલાકાત લેનારા સૌનો આભાર.
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
01-07-2021
વરસાદી મૌસમ ની મિલન તડપને આબાદ ઝીલાઈ છે આ ગીતમાં.
Sarla Sutaria
01-07-2021
ચોમાસું ચાર વેંત છેટું…. વિરહનો ભાવ સચોટ ઉપસ્યો છે. મજા આવી ગઈ …
