
સમંદર ના થયો મીઠ્ઠો કદીએ
સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.
અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.
રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.
બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.
બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.
~ અશોકપુરી ગોસ્વામી
એકેએક શેર અદભૂત
સાવ સાદો દાખલો
સાવ સાદો દાખલો ખોટો થયો
એક ડાઘો ભૂંસતા મોટો થયો.
જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.
જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.
ક્યાં બુલંદી કોઈને કાયમ મળી?
એક તારો એક લિસોટો થયો.
આયનામાં કાલ જે જીવતો હતો
એ જ માણસ આખરે ફોટો થયો.
~ અશોકપુરી ગોસ્વામી
જીવનનું ચિંતન સાદા દાખલા જેવા શબ્દોમાં ઝળકે છે. નાનકડું સહજ પગલું ખોટી દિશાનું સાબિત થાય એવા અનુભવો થયા ન હોય એવું કોઈ હોય ખરું ? આ શેરની બીજી પંક્તિ ખૂબ અસરદાર છે. ‘એક ડાઘો ભૂંસતા મોટો થયો’ માં પ્રતિક યોજના કેટલી સુંદર! ભૂલને છુપાવવાના પ્રયત્ન એને વધારે ઉઘાડી કરે એય લગભગ દરેકે અનુભવેલી બાબત. તો છેલ્લો શેર કેવી ઊંડી ચોટ આપે છે!

બંને ગઝલ અનૂઠી બની છે. અભિનંદન.
બન્ને ગઝલ ખુબ સરસ ખુબ ગમી
કવિશ્રીને અભિનંદન અને વંદન.
વધતી વદ્દી…
તારો લિસોટો થયો…
વાહ!
બંને રચનાઓ દિલ જીતી લે એવી થઈ છે. અશોકપુરી ગદ્ય અને પદ્ય બંનેમાં મેદાન મારી જાય છે. સમર્થ સાહિત્યકારને વંદન.