
કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.
ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.
છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.
લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.
રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.
‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !
~ આબિદ ભટ્ટ

સરસ રચના ખુબ ગમી અભિનંદન
‘ઠીક છે’ રદિફ ખૂબ સરસ નિભાવ્યો છે. સ્વીકાર ની ભાવના વ્યક્ત થાય છે.