સૂરજ જાગ્યો છે સફાળો ~ આરતી શેઠ
સૂરજ જાગ્યો છે સફાળો
લીલા લીલા પર્ણો ઉપર તડકો કેસરીયાળો, આંખો ચોળે ડાળો
સૂરજ જાગ્યો છે સફાળો…..
આળસ મરડી બેઠી થાતી ફૂલોની પાંખડીઓ
કલા સંકેલી ધુમ્મસ બાંધે રૂની એ ગાંસડીઓ
વાદળ દરિયા પાસે ઉઘરાવવા નીકળે ફાળો
સૂરજ જાગ્યો છે સફાળો.
ખેતર જાગ્યા સીમ જાગી, જાગી શેરી શેરી
ખૂણે ખાંચરે પહોંચી વળવા કિરણો કરતા ફેરી
જરા પંપાળ્યું કિરણોએ તો ચહેકી ઊઠ્યો માળો
સૂરજ જાગ્યો છે સફાળો.
~ આરતી શેઠ
પ્રભાતનાં કિરણો જેવી રમતિયાળ વાત અને હરખીલી વધામણી લઈને આવતું આ સીધુસાદું ગીત ગમે એવું છે કેમ કે મનને કૂણો તડકો ગમે છે. આપણે નાના બાળકને રોજ ઊઠીને શીખવીએ છીએ કે ‘બેટા સૂરજદાદાને વંદન કરો !’ કેમ કે આજનું બાળક ‘સન’ અને ‘મૂન’ ગોખવામાં ક્યાંક ‘સૂરજદાદા’ અને ‘ચાંદામામા’ જેવી મધુરી ને પ્રકૃતિ સાથે પોતાપણું જોડી દેનારી વાતો ભૂલી ન જાય !
અંધકારથી અજવાળા તરફ જવાની, નિંદ્રાથી જાગૃતિ તરફ જવાની આ દૈનિક ઘટના કેટલી રમણીય અને પ્રસન્નતાપ્રેરક છે ! વૃક્ષો એને સૌ પ્રથમ અને જુદી રીતે વધાવે છે. પાંદડે પાંદડું સૂર્યના આગમનથી ચળકી ઊઠે છે. કવિએ અહીં સૂરજને સફાળો જગાડયો છે…. જાણે ગાઢ ઊંઘમાંથી અચાનક આંખ ચોળતો ઊભો થઇ ગયો હોય !! લીલાં લીલાં પાંદડાઓ પર સૂર્યના કિરણો કેસરી તડકો રેલાવે છે ત્યારે ડાળો આંખો ચોળતી જોવા લાગે છે. ગીતમાં ભલે ડાળો આંખો ચોળતી પરંતુ ભાવકની નજર સમક્ષ આંખો ચોળતું એક નાનકડું બાળક તરવરી ઊઠે છે ! આ રીતે અહીં બાળક પ્રત્યક્ષ કરી દીધું છે.
સવાર પડવાની વાતને કવિએ સરસ મજાના કલ્પનોથી ગૂંથી એક હૂંફાળી, તડકાળી રજૂઆત કરી છે. સૂર્યને સફાળો જગાડીને અને પછી પ્રકૃતિના આવા તત્વોમાં માનવીય ભાવોનું જે આરોપણ કર્યું છે એ આસ્વાદ્ય બન્યું છે. સવાર આમ પણ જીવનનું પ્રતીક છે અને તડકો આશાનું, લક્ષ્ય તરફ લઇ જતા પથનું…. આખું ગીત મનને ઉઘડતી પ્રફુલ્લિત સવારથી ભરી દે છે.
OP 5.7.22
આભાર
07-07-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી, હરીશભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
સાજ મેવાડા
05-07-2022
સવારના સૂરજના આગમન સાથે જે પ્રકૃતિમાં સકારાત્મક ચિત્રો અનુભવાય છે
હરીશ દાસાણી.મુંબઈ
05-07-2022
તાજગીભરી સવારનું નમણું નાજુક ગીત
છબીલભાઈ ત્રિવેદી
05-07-2022
ખુબ સરસ રચના સુરજદાદા અને ચાંદામામા વગર ની આ બાલ સ્રુષ્ટી ની દયા આવે છે અંગ્રેજી ની દોટ મા બધુજ ભુલાય ગયુ છે તે યાદ આવી ગયું ખુબ સરસ રચના આભાર લતાબેન
