કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !
આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!
રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !
એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !
કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?
આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !
એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !
~ આશિત હૈદરાબાદી (25.3.1937)
મૂળ નામ સુરેન્દ્ર કોટક.
ગઝલસંગ્રહ : ‘આવેગ’
સંપાદન : ‘ગઝલની આસપાસ’

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !
વાહ, મક્તા. કવિ શ્રી આશિત ને સ્મૃતિ વંદન.