બંધ સાંકળ સ્હેજ ખખડાવ તો સાચો કહું
તું હૃદયના બારણાં ખોલાવ તો સાચો કહું.
જઇ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે
જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું
તું પરીક્ષા કાયમી લીધા કરે, દે તો ખરો
દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું
ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિ
અર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું
કોઇની પણ હા હજુરી શું કર્યા કરવી ભલા
ના ગમે તો રોકડું પરખાવ તો સાચો કહું.
~ ઈશિતા દવે
જીવનના દરવાજાને ટકોરા મારતી આ પ્રેરણાત્મક ગઝલનો પ્રત્યેક શેર પડકાર ફેંકે છે.
કવિ પ્રેમનો મહિમા કરતાં કહે છે, હૃદયના બારણાં ખોલવા જેટલી કે કોઇના બંધ મનની સાંકળ ખખડાવવા જેટલી સુંદર ઘટના બીજી કોઇ નથી. પ્રેમ અને માત્ર કરુણા જ આ કામ કરી શકે છે. જિંદગીથી હારીને ભાગી જવામાં શું બહાદુરી છે ? મેદાનમાં આવ. હાર કે જીતની પરવા કર્યા વિના જંગમાં ઝૂકાવ તો તું સાચો. ભણ્યા, ખૂબ ભણ્યા. શું વળ્યું જો ગણ્યા નહીં તો !! ‘પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ન કોઇ. ઢાઇ આખર પ્રેમકા પઢે સો પંડિત હોય.’ વાત સમજવાની આ જ છે. જગતભરની જાણકારી મેળવી લીધી અને ત્યાંના ત્યાં જ રહ્યા. પેલી કોયલ ટહૂકે છે ને, એનો ટહુકાર સમજાય છે ? મનમાં વસે છે ? તો કંઇક પામ્યા. બાકી બધું નિરર્થક..
1.6.21
દીપક વાલેરા
14-06-2021
ખૂબ સુંદર ગઝલ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
04-06-2021
વાહ, સરસ ગઝલ, ખુમારી અને આમંત્રણ સરખાં. આસ્વાદકે સુંદર ઉઘાડી આપી.
વિવેક ટેલર
02-06-2021
પ્રથમ બે શેર ગમ્યા….
છબીલભાઈ ત્રિવેદી
01-06-2021
આજના કાવ્યવિશ્ર્વ નુ કાવ્ય ખુબજ સરસ આખી જિંદગી હાજી હાજી શું કરવુ રોકડુ પરખાવ તો ખરુ ઈશિતાદવે ને ખુબ ખુબ અભિનંદન જીવન તો ઝિંદાદિલી નુ નામ છે આભાર લતાબેન.
