
સૌ માને પૂછે છે
આ વરવીને કોણ વરશે ?
મા જુએ મારી સામે
મારું નામ કુંદા !
વધતી ગઇ ને વધતી ગઇ
ઊંટ પણ નીચું હોય જાણે !
લાંબી જ થતી ગઇ
સૌ માને પૂછે કે
આ લાંબીને કોણ વરશે ?
મા કહે, ‘હાય ! કુંદા !’
કાળે કરીને આવ્યો એક લાંબો
પડછંદ એની કાય
બોલે તો જાણે સાવજ બરાડે
મને, લાંબીને વરવા માગે
મા કહે, ‘વાહ ! કુંદા !’
જાણે સાવજ સાટે બાંધ્યુ અજબાળ
ડરું, ફફડું, પાછા ડગ દઉં
પણ તે ત્રાટકે, ખેંચે, બરાડે – ’એય કુંદા !’
ડરું, ફફડું, વિચારું
આ લાંબો ના વર્યો હોત તો !
અરેરે ! તો મા કહેતે, ‘હાય કુંદા !’
એવામાં તે બરાડે, ‘એય કુંદા !’
હું કહું, ‘મર કુંદા !’ ~ ઈલા પાઠક
સ્ત્રીઓ પ્રતિ થતા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર અને સ્ત્રીઓને સંગઠિત કરનાર ‘અવાજ’ સંસ્થાના સ્થાપક ઈલા પાઠકની આ કવિતા એક સ્ત્રીની આક્રોશભરી લાચારીની વક્રોક્તિ છે. ‘હાય કુંદા, વાહ કુંદા, એય કુંદા’ જેવા લયાત્મક શબ્દ પ્રયોગો અને આખરે ‘મર કુંદા’ કહેતી લાચાર સ્ત્રીની ભયંકર મજબુરી, એમાં રહેલ કટાક્ષ અને એ રીતે સમાજને પૂછાતો અત્યંત વેધક પ્રશ્ન એને કાવ્ય બનાવે છે. ‘મર કુંદા’ શબ્દો એ જ કાવ્યનો સાર અને એ જ એની નિર્મિતિ.

ઈલાબેનનાં કાવ્યો સુંદર ને સરળ વાંચવાની ઓર જ મજા
કુંદા રચના અપ્રતિમ છે..
Kunda Kavya chotdar che Khub chotdar
ઈલાબેન ની ખુબ જાણીતી રચના કુંદા સ્ત્રી જીવન ના વિવિધ ભાવો કાવ્ય માં સુપેરે પ્રગટ થાય છે સ્ત્રી સમાનતા ની વાતો ખુબ થાય છે પરંતુ અમલ ખુબ ઓછો થાય છે આભાર લતાબેન
સ્ત્રીઓને થતાં અન્યાય અને અન્ય નૈસર્ગિક – મનુષ્યરચિત સમસ્યાઓ અને મુશકેલીઓ વિશે માનનીય ઈલાબેનનું આ ” કુંદા” કાવ્ય અસરકારક રીતે પ્રકાશ ફેંકે છે.ખરેખર તો એક વિચારપ્રેરક કાવ્ય !
સાદંત સ્રી વેદનાની અભિવ્યક્તિ.