બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ!..બોલે બુલબુલ’

વાહ ખુબ સરસ કાવ્ય ખુબ ખુબ અભિનંદન
સુંદર પ્રતિક રચનાનું ગીત.