ઉષા ઉપાધ્યાય ~ મોસમ આવી છે & પ્રજ્ઞા વશી ~ હું તો * Usha Upadhyay * Pragna Vashi

મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

વાદળ વરસે ને કહે, ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે, ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

ભીડેલાં બારણાંની, કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી, મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની… ~ ઉષા ઉપાધ્યાય

ત્રાહિમામ પોકારેલી જનતાને આમ તો હવે વર્ષાના વરતારા. છત્રી શબ્દ વરસાદની યાદ દેવડાવે એટલે મીઠો લાગે. ત્યારે અલબત્ત બે અનુભૂતિ એક સાથે. હાલના સમયમાં વરસાદ આવે તો છત્રીને કોણ પૂછે? અને કવિ પણ કૈંક એવો જ ઈશારો કરવા માંગે છે. સવા લાખનું સોનું વરસતું હોય ત્યારે કામમાં રહેતા માનવીની દયા જ ખાવી પડે! અહીં છત્રી શબ્દ બંને અર્થમાં આવે છે. ભૌતિક અર્થ જવા દઈએ તો જે કામ આ આનંદને માણવાની ક્ષણોને રોકીને બેઠું છે એ છત્રી જેવું.

હું તો જ્યારે જ્યારે બેઠી,
ઇચ્છાને ફૂલક્યારે બેઠી.

શું કહું ક્યાં ને ક્યારે બેઠી,
હું તો મારી વ્હારે બેઠી!

જોવા જેવી થૈ છે તો પણ –
ભીતરને અંગારે બેઠી.

પડછાયાને પ્રશ્ન કરીને,
ઉત્તરને વરતારે બેઠી.

આજ નથી જે મારું, છોડી
કાલ ઉપર સંથારે બેઠી.

~ પ્રજ્ઞા વશી

બેસવાની ક્રિયાને કલ્પનામાં ક્યાં ક્યાં જોડી શકાય? હાશ અનુભવાય ત્યારે ફૂલક્યારે, પડકાર આવે ત્યારે ખુદની સાથે, મુસીબતોમાં અંગારા સાથે, ને સમસ્યાઓમાં સવાલો છોડીને ઉત્તરો સાથે બેસે એ સ્ત્રી. બાકી છોડવાની બાબતમાં તો એણે સદીઓથી સિદ્ધ કરેલું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “ઉષા ઉપાધ્યાય ~ મોસમ આવી છે & પ્રજ્ઞા વશી ~ હું તો * Usha Upadhyay * Pragna Vashi”

  1. બંને રચનાઓ મનભાવન. વિષય અલગ અલગ પણ વાંચીને સાંપડે ભીતરે આનંદ સરખો👌👌👌

  2. Pingback: 🍀11 જુન અંક 3-1184🍀 - Kavyavishva.com

  3. મનોભાવને વ્યક્ત કરતી બંને રચનાઓ સારી છે.

  4. ઉમેશ ઉપાધ્યાય

    બન્ને રચના ખુબ સરસ 👌🏻👌🏻

  5. સોનલ પરીખ

    ઉષાબહેનની ‘નભ વચ્ચે આ ક્યો ખલાસી જળની જાળ વણે છે…’ રચના યાદ આવી ગઈ

Scroll to Top