*મમ્મીને*
મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.
નહીં કહે:
તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ–ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.
નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.
ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા–ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.
તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે,
પૂર–તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી તારાથી,
મમ્મી.
જવા દે, રસ્તો કર.
~ ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)
મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર, એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.
સોળ કે સત્તર– ઉંમરના સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી–જીવવી–જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય–સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:
કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ / તારે સત્તરમું ભારે છે બસ.
ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં પાંચ–પાંચ દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ–પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજની મમ્મીઓ પોતાની છોકરીની ચારેફરતી લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે. (જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે)
ખેર, પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ આવી જ કોઈ ટીનએજર આપણા સમાજની સ્થાપિત કુ–પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. એસ. ઉષાની આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા–દીકરીઓની સાથે બાપને અને આખા સમાજને સમાન સ્પર્શે છે. કન્નડ સાહિત્યકાર એસ. ઉષા કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે.
પ્રસ્તુત રચના એમની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ–બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. બિલકુલ સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. આખેઆખું સંવેદનાતંત્રને હચમચી જાય એવી રચના…
નકારની નક્કરતા ધ્યાન ખેંચે છે. પહેલી નવ પંક્તિમાં એક–બેવાર નહીં, આઠ–આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ રજૂ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે ગળુ એવી રીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, કાવ્યનાયિકા પોતાની મમ્મીને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં જ સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે. સંતાનોના રક્ષણ માટે મા–બાપ છાપરું બનીને ઊભા રહે છે પણ માએ ફેલાવેલો આ પાલવ હકીકતમાં જીવનવૃક્ષના લીલા પાનને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દે છે.
સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, હવે તારાથી આમ ન થાય. અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એ આ રક્ષણને સાફ નકારે છે. મમ્મીઓએ ખેંચી કાઢેલી લક્ષ્મણરેખા સામે એ સાફ બળવો પોકારે છે. મમ્મી ભલે કહે, સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે, હવે શેરીઓમાં આમ છોકરાઓની જેમ રખડ નહીં, ઠરીને ચાલતાં શીખ. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:
अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे – रवां मिले न मिले આનન્દનારાયણ ‘મુલ્લા’
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)
‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગર્દન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’, ‘બેટી તેની ગર્દન હેઠી’- આપણી કહેવતોમાંથી જ આપણી દીકરીઓ તરફની વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. આપણે ભૂલી ગયા છીએ કે પુત્ર તો પુત્ નામના નર્કમાંથી મર્યા બાદ ઉગારશે, દીકરી તો પૃથ્વી પર ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા–દેખાડવાના દાંત અલગ છે.
પણ હવે બહુ થયું. હવે પરંપરાના નામ પર મને બારી–બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો પણ મારાથી નહીં બને. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી–સડીને મરવું મારી ફિતરત નથી. તમે બાંધી રાખેલા બંધ ને બંધનો તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.
रहिमन देख बड़न को , लघु न दीजिए डार / जहाँ काम आवै सुई , कहाँ करै तलवार
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર–નીચે, દૂર–નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
આસ્વાદ : ડૉ. વિવેક ટેલર
સૌજન્ય : લયસ્તરો

ખૂબ વિચારણીય કાવ્ય, આસ્વાદ.
My Daughter બ્લાસ્ટ me for just telling her what All Mummy say to their daughter
અંતર ની આરપાર થતી કવિતા 👍💖
🪷રેખાબl સરવૈયા🪷
ખુબ સરસ કાવ્ય આસ્વાદ પણ એટલોજ ઉત્તમ અભિનંદન
અભિવ્યક્તિ ખૂબ સરસ, જોકે હું હાર્દ સાથે સંમત નથી.