કંચન અમીનના થોડાક શેર
કેટલો નક્કર સખત અંધાર છે !
તેજનું ત્યાં તીર અટકી જાય છે. ***
તરતી સરતી શ્વાસોની વિખરાતી ઝળહળ
છે આંસુ જેવુ આંખોનું આંજણ જો. ***
મર્મ છે આગળ ગહન જે તાગવાનો હોય છે
સાવ કોરો એક કાગળ વાંચવાનો હોય છે. ***
ડંખો દેવાનું તો અકસર સૌને ગમતું
ડંખીલા ઘા ચૂસે એવી સમજણ ક્યાં છે ? ***
આંખમાં ઝળહળ અમસ્તો નીકળે
જેમ ચાલો તેમ રસ્તો નીકળે. ***
‘ગગનચુંબી ઈશારો’ ગઝલ સંગ્રહમાંથી થોડાક શેર
જગત જેવું છે તેવું, તેં હજી જોયું નથી બંદા
વહ્યા કરતો કિનારો છે, કશું ક્યાં હોય છે કાયમ ? ***
રૂપ અરૂપ સ્વરૂપ કબીરા
આતમ ઊંડો કૂપ કબીરા. ***
પવનથી ઝૂલતી શાખા નિરંતર ઘૂંટતી ઝળહળ
હજી બારાખડી જેવો સહજ કિલકાર છે કેવો ? ***
કંઇ યુગોથી સાવ એ તો છે ઊઘાડાં
આ ટકોરા કોણ મારે બારણાં પર ? ***
યાદના પડઘા પડે છે રાતદિન
બોલ ઝીણા મોરના ગાયા કરે. ***
~ કંચન અમીન
કવિ કંચન અમીન એમના કાવ્યસંગ્રહ ‘દિલ્લગી’ અને ‘ગગનચુંબી ઈશારો’ લઈને આવ્યા છે. ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે. આભાર કવિ
કંચન અમીન * ‘દિલ્લગી’ * સાયુજ્ય 2021
કંચન અમીન * ‘ગગનચુંબી ઈશારો’ * સાયુજ્ય 2022
OP 21.4.22
***
છબીલભાઇ ત્રિવેદી
21-04-2022
કવિ કંચન અમીન ના કાવ્યો ખુબ સરસ નવા નવા કવિ ઓ આપણા કાવ્યવિશ્ર્વ મા પોતાની રચના ઓ મોકલે છે અેટલે વિવિધતા સભર કાવ્યો માણવા મળે છે તેનો ખુબ આનંદ છે આભાર
