કરસનદાસ લુહાર ~ બે કાવ્યો * Karsandas Luhar

એક ટેકરી  

આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !

~ કરસનદાસ લુહાર 12.8.1942

કવિના જન્મદિને સ્મૃતિવંદના

એક લીલા પાંદ પર

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે !
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે

આંકીનો અંધાર મારો સૌમ્ય હરિયાળો   થયો
તુલસી-કયારે કોડિયું તે હમણાં પ્રગટાવ્યું હશે!

જે જગાથી આપણે લઈને તરસ છૂટાં પડયાં
એ જગા જોવા પછી કોઈ ઝરણ આવ્યું હશે !

ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં
એટલે તે છૂંદણામાં નામ ત્રોફાવ્યું હશે

મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે
પત્રમાં સરિયામ ચોમાસુ તેં ચિતરાવ્યું  હશે!

~ કરસનદાસ   લુહાર 12.8.1942

કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “કરસનદાસ લુહાર ~ બે કાવ્યો * Karsandas Luhar”

  1. ‘ એક ટેકરી ‘ ગીત શબ્દચયન અને ભાવાભિવ્યક્તિ ની દૃષ્ટિએ આસ્વાદ્ય બન્યું છે.
    ‘એક લીલા પાંદ ‘ કાવ્ય પણ ગમ્યું.કવિને વંદન.

Scroll to Top