
🥀 🥀
*લખું છું*
પળેપળ છેતરાવાના જ આઘાતે લખું છું
કલમ ત્યાગી હવે હું ટેરવાં વાટે લખું છું.
નથી સંભવ કદી પણ લાગણી શબ્દોમાં કહેવી,
છતાં કંઈ ભાર હળવો થાય એ માટે લખું છું.
અમારે કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું.
ધરા પર હું લખું છું, હું લખું છું આ ગગન પર,
લખું છું હા, પ્રથમ વરસાદના છાંટે લખું છું.
અમારી જિંદગીમાં પણ ફૂલો ખીલી શકે છે,
ધબકતી ઝંખના હર પાંદડે, કાંટે લખું છું.
~ કવિતા મૌર્ય
લખવાના દેખીતા કારણો હજાર હોય પણ અંદરનું કારણ એક જ પીડા…. અને પીડા…. સુખ પણ જ્યારે ટીસ જગાવે ત્યારે કવિતા ઊગે. તો સ્ત્રીઓ માટે આ સનાતન સત્ય ‘છતાં કંઈ ભાર હળવો થાય એ માટે લખું છું’
*****
🥀 🥀
*મારી આંખમાં*
છે ગઝલની દૌર મારી આંખમાં
ને ખીચોખીચ હોલ મારી આંખમાં
અશ્રુઓ ઇર્શાદ પોકારી ઊઠ્યા
લાગણીનું જોશ મારી આંખમાં
જોવું છે આખું જગત પળવારમાં
આંખ તારી ખોલ મારી આંખમાં
તું મને ક્યાં ફેરવે છે ગોળ ગોળ,
આખી દુનિયા ગોળ મારી આંખમાં
હું જ સઘળું બેધડક બોલ્યા કરું !
આંખથી તો બોલ મારી આંખમાં
~ કવિતા મૌર્ય
‘આંખ તારી ખોલ મારી આંખમાં’ વાહ…..
અર્થની રીતે આમ તો કહેવાય ‘તું મારી આંખે જો’ પણ એ કહેવાનો આ અનોખો અંદાજ
*****
*હોય છે*
મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.
ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.
આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?
એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.
કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?
કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?
~ કવિતા મૌર્ય
મૌન પાસે અંતિમ સત્તા સંવાદની. પણ જો મૌન મુકર જાય તો હૃદયની શી વલે થાય ?
ટૂંકી બહરમાં ચોટદાર ગઝલ
*****
*બેઠી છું*
કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.
આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.
આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.
કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.
~ કવિતા મૌર્ય
*****

કવયિત્રી કવિતા જી, ની અભિવ્યક્તિ એક સ્ત્રીની જ છે, ખૂબ જ સરસ.
ખુબ સરસ રચનાઓ તાજગીસભર ખુબ ગમી
સરસ રચનાઓ 👌👌
“જોવું છે આખું જગત પળવારમાં
આંખ તારી ખોલ મારી આંખમાં.” એક અલગ રીતથી લખાયેલ ભાવ.
સરસ રચનાઓ.
સરયૂ પરીખ.
જોવું છે આખું જગત પળવારમાં
આંખ તારી ખોલ મારી આંખમાં
વાહ… મોજ પડી.