
શ્યામ રંગ સમીપે ન જાવું
શ્યામ રંગ સમીપે ન જાવું મારે
આજ સખી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં,
કાજળ ના આંખમાં અંજાવું. મારે….
કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને,
કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું,
જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….
મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા,
જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….
~ દયારામ
ઝઘડો લોચન–મનનો
લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.”
“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ !
“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.”
“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.”
“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.”
“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.”
મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.”
એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.”
~ દયારામ (16.8.1777 – 28.2.1853)
દયારામે કૃષ્ણપ્રેમનું ગાન કર્યું છે. ગરબીઓ માટે તેઓ પ્રસિદ્ધ છે. ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ છે. એમણે વ્રજ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખ્યું.
‘રસિકવલ્લભ’, ‘પુષ્ટિપથરહસ્ય’, ‘ભક્તિપોષણ’, ‘દયારામ રસસુધા’, ‘પ્રબોધબાવની’, ‘અજામિલાખ્યાન’ એમના પદ્યસંગ્રહો છે. ભાગવતનો 131 પદમાં સ્કંધવાર સાર આપતું કાવ્ય ‘ભાગવતાનુક્રમણિકા’ તેમણે વ્રજભાષામાં લખ્યું છે.

ખુબ સરસ રચનાઓ ખુબ ગમી