કવિ દાદ ~ ઘડવૈયા મારે

ધડ ધીંગાણે  જેના માથાં મસાણે  એના પાળિયા થઈને પૂજાવું
ટોચ મા ટાંચણું લઈ ભાઈ   ઘડવૈયા મારે  ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           

હોમ   હવન  કે   જગન   જાપથી   મારે   નથી   રે  પૂજાવું
બેટડે  બાપનાં  મોઢાં  ન  ભાળ્યાં  એવા કુમળા હાથે ખોડાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                          

પીળા પીતાંબર કે જરકશી જામા  મારે વાઘામાં નથી વીંટળાવું
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે  નીરગંગામાં નથી નાવું
નમતી સાંજે  કોઈ  નમણી  વિજોગણના ટીપા આંસુડાએ નાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           

બીડ્યા  મંદિરિયામાં  બેસવું  નથી  મારે ખુલ્લા મેદાનમાં જાવું
શૂરા   શહીદોની  સંગાથમાં   મારે  ખાંભીયું   થઈને  ખોડાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           

કપટી  જગતના  કૂડાકૂડા   રાગથી  ફોગટ   નથી  રે  ફુલાવું
મુડદાં  બોલે   એવા   સિંધુડા   રાગમાં   શૂરોપૂરો   સરજાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           

મોહ  ઉપજાવે  એવી મુરતિયુંમાં  મારે  ચિતારા નથી ચીતરાવું
રંગ   કસુંબીના  ઘૂંટ્યા   રુદામાં   એને  ‘દાદ’  ઝાઝું  રંગાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…  – કવિ ‘દાદ’                          

2020 વર્ષનો કપરો કાળ કદાચ પૂરો થઈ રહ્યો છે. આ વર્ષના છેલ્લા દિવસે ખૂબ જાણીતી કવિ દાદની આ રચના માણીએ. આ રચના ઘણા લોકગાયકોએ ગાઈ છે. આપણે સાંભળીએ એને હેમંત ચૌહાણના સ્વરમાં. 

31.12.20

કાવ્ય : કવિ દાદ – સ્વર : હેમંત ચૌહાણ

*****

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી દાદ ભગવાન સાથે ઘરોબો ધરાવે છે એવું લાગ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top