કવિ રાવલ ~ ન સવાર થઈ * Kavi Raval

ન સવાર થઈ ~ કવિ રાવલ

ન સવાર થઈ ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું – ન થશે કશું – હું ઊભી છું માત્ર અભાવ થઈ

અહીં બંધ છું હું કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ

તરુવર હરિત ને હવા પુનિત, ઋજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ ને સરિતા વહે છે વહાલ થઇ

એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ
અનુભૂતિ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ

હું આ ઝાડ થૈને ઊભી રહું કે પરણ થૈ ખખડ્યા કરું ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ

કવિ રાવલ 

આ ગઝલ અભાવથી શરુ થતી, વહાલમાં વહેવા ઝંખતી, આખરે સ્વના ઉઘાડમાં વિરમે છે. વ્યક્તિથી સમષ્ટિ સુધી, અંગતથી અસ્તિત્વવાદ સુધી અને એમ જોઇએ તો જીવનના બધા જ વહેણને આવરતી આ ગઝલમાં મનની અકળ મૂંઝવણોની અભિવ્યક્તિથી શરૂઆત થાય છે.

‘હું ઝાડ થઇને ઊભી રહું કે પર્ણ થઇ ખખડ્યા કરું ?’ એ અમુક અંશે અસંમજસની અવસ્થા છે. પહેલા સૂકાયેલું મન અને પછી જાગતી વહાલની તરસ અને મનોભાવોનું પ્રકૃતિમાં આરોપણ. કંઇક એની સાથેની જ જોડાયેલી આ અવસ્થા છે પરંતુ આખરે ચિંતનમાં ગઝલની સમાપ્તિ થાય છે. એ છે સ્વનું સર્વમાં ફેલાવું. જાતમાં જગતને અને જગતમાં જાતને જોવી. બીજથી બ્રહ્માંડ સુધી મૂળનો વિસ્તાર અને વિચારની સચરાચરમાં વ્યાપ્તિ.

OP 31.5.22

આભાર

03-06-2022

ખૂબ ખૂબ આભાર લલિતભાઈ, મેવાડાજી, પ્રફુલ્લભાઈ, કિશોરભાઇ, બકુલેશભાઈ, છબીલભાઈ, રૂપલબેન, રેણુકાબેન.

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર

રૂપલ એ.મહેતા.

01-06-2022

ખૂબ સરસ રસદાર રચના ,
ને આસ્વાદ અભિવ્યક્તિ …
જોરદાર!!

Renuka Dave

01-06-2022

ખૂબ સરસ આસ્વાદ્ય રચના.
શબ્દ, લય અને ભાવનું મસ્ત મજાનું સંયોજન..!
લખતા રહેજો, કવિ..

લલિત ત્રિવેદી

31-05-2022

સરસ… સરળ ગઝલ… રસપ્રદ આસ્વાદ

સાજ મેવાડા

31-05-2022

વાહ, ગઝલ ખૂબ અઘરા કામિલ છંદમાં. કાબિલે દાદ છે જ. અને લતાજી આપે ખૂબ સુંદર રીતે આસ્વાદ કરાવ્યો.

પ્રફુલ્લ પંડ્યા

31-05-2022

કવિશ્રી રાવલની સુંદર ગઝલ જાણે કે નજાકતભર્યુ કોતરકામ છે.ભાવ વિશ્વ પણ એટલું જ સુંદર પણ સૌથી સુંદર અને રૂચિકર તો એનો તંત્રીશ્રીએ કરાવેલો આસ્વાદ છે.લતાબેન કૃતિને રજૂ તો કરે જ છે પણ કૃતિને આકર્ષક રીતે ખોલી પણ આપે છે.

કિશોર બારોટ

31-05-2022

સરસ ગઝલ. 👌

બકુલેશ દેસાઈ

31-05-2022

વાહ ‘ કવિ ‘ અભિનંદન… વ. ગાંઠના પણ

છબીલભાઈ ત્રિવેદી

31-05-2022

કવિ રાવલ ની મસ્ત રચના ખુબ સરસ ભાવ પ્રગટ કરતી ગઝલ આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top