કાજલ ઓઝા વૈદ્ય ~ આજે મને

🥀🥀

આજે મને પહેલીવાર સમજાયું કે

ગોઠવણ એટલે શું?

રંગરોગાન વગરના સંબંધનો ચહેરો

પહેલીવાર ધોધમાર અજવાળામાં,

આંખ સામે ખૂલી ગયો!

તું… જાણે સામે કિનારે

અને તારી આસપાસ નાચતી

નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ

આ કિનારે એકલીઅટૂલી હું.

મારા ખિસ્સામાં,

મારી અપેક્ષાઓ, અધિકારોનું ચુંથાયેલું લિસ્ટ

કહેલા-ન કહેલા,

માની લીધેલા શબ્દોના લીરેલીરા!

આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને

ફુરચેફુરચાં થઇ ઊડી જતો જોઇ રહ્યાં છીએ

આપણે બંને – અસહાય !

~ કાજલ ઓઝા

આખીયે કવિતામાં સંબંધના ભાવપક્ષનો સરસ ઉઘાડ છે. સંબંધના એકએક પડને ખોલતી ને સૂક્કી આંખે તોલતી આ ભાવધારામાં બે વાત બહુ મહત્વપૂર્ણ છે. ‘માની લીધેલા શબ્દોના….’ અને ‘આપણે બંન્ને – અસહાય !…’ આ બે શબ્દાવલિ વગર કદાચ આખી વાત એકાંગી બની રહેવાનો સંભવ રહેત. કાવ્યમાં સંબંધના અંતની કે તૂટવાની વાત તો સ્પષ્ટ જ છે પણ આ શબ્દો દ્વારા કવિએ તૂટેલા સંબંધનેય સમતુલા બક્ષી દીધી છે, ન્યાય આપી દીધો છે. ’માની લીધેલા શબ્દોના’ કહીને દર્શાવ્યું છે કે એકબીજાને સમજવામાં ભૂલ બંને પક્ષે હોઇ શકે… અને એમ જ ’આપણે બંને – અસહાય.’ અર્થાત તૂટવાની પીડા અને લાચારીય બંને પક્ષે… સંબંધનો સેતુ નષ્ટ થયા પછીયે કવિએ સમજણના દોરને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે એટલે જ અહીં આક્રોશ છે પણ આરોપ નથી. જે કવિતાના ભાવપક્ષને સમતુલિત કરવાની સાથે સાથે, કાવ્યતત્વને પણ સલુકાઇથી સંભાળી લે છે.

OP 13.7.22

***

આભાર

17-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, કીર્તિભાઈ, પ્રફુલ્લભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

13-07-2022

આદરણીય કાજલ ઓઝાની આ અછાંદશ આપના કહેવા પ્રમાણે ખૂબજ સહજ રીતે વેદના સાથે ઉભય પક્ષને પણ ન્યાય આપે છે, એમાં કવિયત્રીની ગરીમાપૂર્ણ ખુદ્દારી દેખાઈ આવે છે.

પ્રફુલ્લ પંડયા

13-07-2022

ખૂબ હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ! કાજલ ઓઝાએ વધુ કવિતાઓ લખવી જોઇએ. હાર્દિક અભિનંદન!

છબીલભાઈ ત્રિવેદી

13-07-2022

સરસ કાઝલ ઓઝા તેમના દરેક કાવ્ય હોય કે પ્રવચન હમેશા છવાય જાય છે ઉમદા રચના આભાર લતાબેન

Kirtichandra Shah

13-07-2022

Lataben Ape je aasvadya Karyn te Kazal Oza ne batavsho to haju kaink malshe

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top