

🥀🥀
*ધજા પર*
ત્યજી મંદિરને જઈ બેઠું ધજા પર
પછી બેસી શક્યું ના મન કશા પર
મર્યા ઝગડી કબૂતર જે જગા પર
શું ઈશ્વર પણ હશે ત્યારે રજા પર?
ફૂલોએ જન્મ દઈ છોડી દીધો છે
બધોયે ભાર ખુશ્બોનો હવા પર
નસેનસ બીજની ફાટે છે ત્યારે
ઉગે છે છાંયડાં લીલા ધરા પર
હતો રાજા અને રાણી હતી એક
પછી ગ્રંથો બન્યા એ વારતા પર
ઘણા અશ્રુ રૂપાંતર છે અહમના
ન ઢોળો વાંક હંમેશા વ્યથા પર
મૂંગો બોલ્યો શું બહેરે સાંભળ્યું શું?
કરે ચર્ચા અબૂધો આ દશા પર
~ કિરણ ‘રોશન‘
‘મંદિરને ત્યજીને ધજા પર બેસવું’ એ વાત બહુ મોટી છે. સંકુચિતતા છોડી વિશાળ અવકાશનું એમાં સૂચન છે. સ્વાભાવિક છે કે પછી મન બીજે ક્યાંય ન જ લાગે. ચોથો શેર અને છઠ્ઠો શેર વધુ ગમ્યા. છેલ્લો શેર જાણીતા રુઢિપ્રયોગને લઈને આવ્યો છે.
*‘ક્યાં ખબર હતી !’માંથી મજાનાં શેર*
એક વ્હેણ થઈ જીવ્યાં તો થયો લાભ એટલો
અડચણ વચાળે પણ સદા રસ્તો થઈ ગયો**
બસ ચાકરી આ શ્વાસની કરતાં ડરી ડરી
થાશે અગર જો ચૂક તો આ નોકરી જશે**
હો કછોરું તોય રાખે હેતથી
મા એ મા છે કોઈ વેપારી નથી**
શરત છે વીજળી ચમકે તરત મોતી પરોવી દો
સમય આપે છે તક નક્કી ભલે પળવાર આપે છે**
આભ સમેટી આખેઆખું
બે પારેવા નળિયે બેઠાં**
ઝાડ પર આવે અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે**
રજકણ ઊઠીને એક દિ અજવાળું પી જશે
સૂરજને પણ સતાવે છે સપનાં બિહામણાં**
એની કદર ન થાય, મળે જે મથ્યા વગર
એ જીત લાગે ફીકી મળે જો લડ્યા વગર**
જ્યારે ભીતર વાત છુપાવી
દર્પણ સામે જાત છુપાવી**
~ કિરણ ‘રોશન’
કવિ… ગગને ઊડ્યાં કરો….
સ્વાગત છે કિરણ
‘ક્યાં ખબર હતી ! * કિરણ જોગીદાસ ‘રોશન’ * નવભારત 2024

વાહ ખુબ સરસ વાત કાવ્ય દ્વારા કરવા મા આવી કાવ્યાસ્વાદ પણ એટલોજ સુંદર
ઘણા અશ્રુ રૂપાંતર છે અહમના,
વાહ કવિ.
આભાર લતાબેન
આભાર નહીં આનંદ.
વાહ, વાહ ખૂબ જ માર્મિક ગઝલ, બધાજ શેર અફલાતૂન.
સરસ ગઝલો કિરણબેન
રચનાઓ અને આસ્વાદ ખૂબ સરસ…
બંને રચનાઓ ખૂબ સુંદર ધન્યવાદ
વાહ 👌🏻👌🏻
ખુબજ સરસ..
સુંદર કવિતાઓ