
🥀 🥀
ઉંચકી અહમને બહુ વધુ ચાલી શકો નહી!
અંતર હો વેંતનું છતાં કાપી શકો નહી
એક આંખમાં ને બીજો ઉપર આભમાં ઉગે
નાખીને ધૂળ સૂર્ય એ ઢાંકી શકો નહી
ભાષા છું પ્રેમની બહુ સીધી અને સરળ
કપટી દિમાગથી મને વાંચી શકો નહી
પડદો બે મનની વચ્ચે છે જો એ હટી જશે
સંબંધ એક પણ પછી સાંખી શકો નહી
દર્પણનું બિંબ આવી જો સામે ઉભું રહે
પળવાર માટે પણ તમે તાકી શકો નહી
દરિયાના તળ સુધી જવું અઘરું નથી કશું
ઉંડાણ આંસુનું કદી માપી શકો નહી
હંમેશ વ્યસ્ત રહી ભલે ટાળો છો જિંદગી
આવી ચડેલ મોતને ટાળી શકો વહી
~ કિરણ જોગીદાસ ‘રોશન‘
એક જાણીતું સત્ય લઈને આવતો હોવા છતાં એની રજુઆતથી મત્લાનો શેર ‘વાહ’ જરૂર કહેવડાવે છે. એમ જ એક પછી એક આવતા દમદાર શેરથી ગઝલ પોતાનું નોંધપાત્ર સ્થાન મેળવી લે છે.
🥀🥀
આ તરફ દરિયો હતો પેલી તરફ એક રણ હતું
બેઉ વચ્ચે હાંફતું એક ઘર તરસનું પણ હતું
જિંદગી માયાવી નગરી જેમ છેતરતી રહી
દ્રષ્ટિ ભરમાઈ સતત એ દ્રશ્યનું કામણ હતું
સોડ સન્નાટાની તાણી સૂતું સમરાંગણ ભલે
પણ હવામાં રાત આખી ગુંજતું હણહણ હતું
સ્વપ્ન તો એની જ મસ્તીમાં જતું’તું એકલું
ત્યાં પીછો કરતું છૂપું એક શક્યતાનું ધણ હતું
મૃત થયેલા પંખી સાથે ડાળ પણ કરમાઈ ગઈ
ડાળને એ પંખી સાથે કેવું તે સગપણ હતું!!
જે જગા પર વૃધ્ધ હિંમતની કથા કરતો હતો
બાંકડો એ જાણતો, કેવું વિવશ ઘડપણ હતું!
જે હવા એક આગ ઓલવવા ઘણી સક્ષમ હતી
એ હવા એક જ્યોતના જીવનનું પણ કારણ હતું
~ કિરણ જોગીદાસ ‘રોશન‘
નવાં મજાનાં કલ્પનોથી શોભતી ગઝલ
🥀🥀
હાથમાં લઈ ચિત્ર રણનું
શોધું સરનામું ઝરણનું
આંખ તડપે છે જવા ત્યાં
દર્દ શું જાણે ચરણનું!
ભ્રમ તૂટ્યો જોયા પછી તો
રૂપ સાચું એ હરણનું
સત્ય દેખાવું કઠિન છે
જાડું પડ છે આવરણનું
શ્વાસની પગથાર જાણે
બસ પગેરું છે મરણનું
~ કિરણ જોગીદાસ ‘રોશન‘

ખૂબ ખૂબ આભાર લતા દી…કાવ્ય વિશ્વનો ઈ- અંક વાંચવાની મજા આવે છે. ઉત્તમ સાહિત્યનો સ્વાદ માણવા મળે છે. આભાર🙏
aઆનંદ આનંદ
તાજગીપૂર્ણ અભિવ્યક્તિ.
અભિનંદન.
Liked very much Gazals by Keran Jogidas
ઈન્દ્રપુરીનો સંદર્ભ સમજાયો નહીં…. મહાભારતમાં જે માયાવી મહેલની વાત છે એનું નામ ઇ ન્દ્રપુરી નહોતું…,
હા સાહેબ… એ મારી ભૂલ છે સ્વીકારું છું 🙏
એ ઈન્દ્રપ્રસ્થ હતું ઈન્દ્રપૂરી નહીં… જેનું બીજું નામ ખાંડવપ્રસ્થ હતું. જે માયાસૂરે બનાવ્યું હતું
હવે શેર બદલું છું. આપનો આભાર મારું ધ્યાન દોરવા બદલ🙏
જિંદગી માયાવી નગરી જેમ છેતરતી રહી
દ્રષ્ટિ ભરમાઈ સતત એ દ્રશ્યનું કામણ હતું
સંપૂર્ણ ગઝલલીયત સાથે ખૂબ જ સરસ ગઝલાભિવ્યતિ. ખૂબ ગમી.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
વાહ! બહુ સરસ.
સરયૂ પરીખ
સરસ રચનાઓ
જુદા જુદા સંદર્ભ લઈને આવતી ગઝલો સરસ છે.
ખૂબ સરસ ગઝલથાળ..