કિશોર જિકાદરા ~ દુનિયા એનું & એક પંખી * Kishor Jikadara 

સ્વયં તમે મરવાનું રાખો

દુનિયા એનું ફોડી લેશે, ધ્યાન  જરા પોતાનું રાખો,
મેલીદાટ થઈ છે કંથા, કોક વખત ધોવાનું રાખો.

સારું છે કે ચીવટ રાખી ચોખ્ખુંચટ રાખો છે ઘરને,
ઘરની સાથે ઝાપટઝૂપટ મનની પણ કરવાનું રાખો.

હૈયું હળવું કરવાનો હું નુસખો મસ્ત બતાવું તમને,
દર્પણને  ભેટીને મહિને  એક વખત રોવાનું રાખો.

ભાડૂતી માણસને આવું કામ ન સોંપો, મારું માનો,
શોષિત ને વંચિતનાં આંસુ સ્વહસ્તે લો’વાનું રાખો.

સંબંધોને સડતાં જોજો વાર નહીં બહુ લાગે માટે-
સંબંધોને લથબથ સ્નેહે ભૂલ્યાવિણ મોવાનું રાખો.

ઘર કી મુર્ગી દાલ બરાબર એવું પણ ના માની લેવું,
એક પછીતે મારું ઘર છે, વાંસે પણ જોવાનું રાખો.

સગવડ ત્યાં કેવી છે એવું જેને-તેને પૂછવા કરતાં,
બોલો, સ્વર્ગે જાવું છે તો સ્વયં તમે મરવાનું રાખો.

~ કિશોર જીકાદરા

આમ તો આખી ગઝલ ગંભીર ભાવોને લઈને આવી છે. બધા જ શેર સરસ પણ આ શેર મનને વિશેષ સ્પર્શી ગયો, સંબંધોને લથબથ સ્નેહે ભૂલ્યાવિણ મોવાનું રાખો.’

જો કે ‘સ્વયં તમે મરવાનું રાખો’ આ શીર્ષક વાંચીને મજા આવી ગઈ અને બીજી ક્ષણે જ મનમાં ઊઠ્યું, ‘ઝાઝું ડહાપણ ડહોળ્યા વગર સ્વયં તમે મરવાનું રાખો!’ અલબત્ત આ હાસ્યગઝલ થાય… કવિને પસંદ પડે તો… કરી શકે…   

એક પંખી થાય બેઠું રાખમાંથી

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?

પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?

ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!

~ કિશોર જીકાદરા

ચિંતનીય ગઝલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “કિશોર જિકાદરા ~ દુનિયા એનું & એક પંખી * Kishor Jikadara ”

  1. ખૂબ જ સરસ ગઝલો. હૈયું હળવું કરવા દર્પણ ને ભેટવાની વાત ગમી. આમતો આપણે જ આપણાં આંસુ લૂંછવાનાં હોય્ છે.

  2. kishor Barot

    કિશોર જીકાદરાજી એક ગમતાં ગઝલકાર છે તેમને હદયપૂર્વક અભિનંદન. 🌹

  3. સૂચનાત્મક રીતે વાતને રજૂ કરવાનો ગઝલકારનો અંદાઝ એમને સૌથી નોખા પાડે છે. શુભેચ્છા.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    હળવે હાથે મોટું કામ કરનારા ગઝલકાર કિશોરભાઈ જિકાદરાની રચનાઓ જરાપણ નિશાન ચૂકતી નથી.

Scroll to Top