કિશોર શાહ ~ એક સાંજે & મેં છત્રીને * Kishor Shah

ફાનસ

એક સાંજે

ઘરે પાછાં ફરતાં

સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી.

એક ફેરિયાએ

ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો

તે વેચતો હતો કાચનું ફાનસ,

જ્યોતનું રક્ષણ કરવા માટે.

ફાનસ વેચાતું ત્યારે દીવો

બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો

અને ફાનસ

અંધારું ભરી કશેક આઘે નીકળી જતું,

ત્યાં અચાનક

પુલની નીચે શોરબકોર વધ્યો,

નમીને નીચે જોયું તો

રામનામનો મહિમા પોકારતી

એક શબયાત્રા પસાર થઈ રહી હતી;

હું એક ક્ષણ શબને

અને

બીજી ક્ષણે ફાનસને જોઈ રહ્યો.

~ કિશોર શાહ

છત્રી

મેં છત્રીને પૂછ્યું

‘તારી નિયતિ શું?’

‘ખૂલવું-બંધ થવું, પલળવું-સુકાવું’

મલકાઈને એ બોલી

અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’

મેં પૂછ્યું:

‘તને સંતોષ છે?’

એણે કહ્યું ‘હા’

મેં પૂછ્યું: ‘કેમ?’

એણે શરમાતાં શરમાતાં કહ્યું:

‘આકાશને ઝીલવાનો રોમાંચ

તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

~ કિશોર શાહ (27.12.1847)

કિશોર શાહ મૂળ કચ્છના બેરાજા ગામના. જન્મ અને વસવાટ મુંબઈ.

કાવ્યાનુવાદ પ્રવૃત્તિપ્રેમી.

કાવ્યસંગ્રહ : ‘એશ ટ્રેમાં આથમતો સૂર્ય’

રજનીશજીના પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “કિશોર શાહ ~ એક સાંજે & મેં છત્રીને * Kishor Shah”

Scroll to Top