શુક્ર
સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
“રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર વિશે છે કે પભાતશુક્ર અંગે કે બંને અંગે ? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલક પલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી.“ ~ કવિ ઉમાશંકર જોશી
સૌજન્ય : લયસ્તરો
કવિના જન્મદિને સ્મૃતિવંદના

વાહ કાવ્ય અને આસ્વાદ બન્ને માણવા લાયક
વંદન વંદન વંદન
કાવ્ય અને આસ્વાદ બન્ને માણ્યા, વંદન.