*તારાઓનું ગીત*
સંધ્યા આવી પૂરે કોડિયાં,
આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
નવલખ જ્યોતિ પ્રગટાવે!
ચાર દિશાના વાયુ વાય;
થથરે, પણ નવ બૂઝી જાય!
અંબર ગરબો માથે મેલી,
આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તારા છિદ્રો એનાં,
મીઠાં મહીંથી તેજ ઝમે!
વ્યોમ તણેયે પેલે પાર!
જયોત ઝબૂકે જગ–આધાર
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
(16.9.1911 – 23.7.1960)
*મીણબત્તી*
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.
એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
ખૂબ સરસ કવિતા માણવા મળી . આભાર લતાબેન
સંધ્યાનું કાવ્ય ખૂબ જ સુંદર, મિણબત્તીની રચના મારાથી સમજાય એવી નથી.
‘આદ્યા જગમાં રાસ રમે’,ને છેલ્લે ‘જ્યોત ઝબૂકે જગ આધાર’ પંક્તિઓ ખૂબ ગમી.
મીણબત્તીને અંધારે દીવાસળી આગ ચાંપે છે એ વ્યથા સરસ વ્યક્ત થઈ છે. કવિને વંદન.
કવિશ્રી અમારા ભાવનગરમાં પાડોશમાં રહેતા. નાનપણમાં મેં તેમના પત્નીને જોયેલા પણ કવિને નહીં. મામા નાથાલાલ દવેના મિત્ર હતા. સન્માન સાથ, કવિશ્રી શ્રીધરાણીને પ્રણામ. સરયૂ.
સરસ રચનાઓ 👍🏻👍🏻
શ્રીધરાણી ઉચ્ચ કોટી ના હતા દેખાઈ આવે છે
સુંદર રચના
શ્રીધરાણી સાર્થક કવિ હતા
બેય સરસ રચના