ઑફ લાઈન સ્કૂલ શરૂ થતાં ~ કૃષ્ણ દવે
નાની નાની સ્કૂલબેગની ટોળી સામે મળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી
યુનિફોર્મને ભેટી પડવા ફૂલ બની ગઈ કળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી……
નહીંતર આખ્ખું આભ હતું પણ પિંછું ક્યાં ફરફરતું ?
માળામાંથી બ્હાર નીકળતા પંખી પણ થરથરતું
ટળી ટળી ભાઈ ટળી ઘાત આ શ્વાસ ઉપરથી ટળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી…..
બેલ વગડશે, અદબ પલાંઠી કાલું ઘેલું ગાશે
ક્લાસરૂમની સૂની ડાળે ટહુકાઓ સંભળાશે
ઢળી ઢળી ભાઈ ઢળી જીન્દગી ફરી જીવનમાં ઢળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી
~ કૃષ્ણ દવે
કોઈ પણ મોટી ઘટના બને અને એનો પડઘો તરત કવિ કૃષ્ણ દવે કાવ્યરૂપે ન આપે એવું ભાગ્યે જ બને અને કાવ્ય પણ કેવું ! વધાવી લેવાનું મન થાય કેમ કે તરત હૈયે વસી જાય ! લગભગ બે વરસે શાળાઓ ખૂલી અને ભૂલકાંઓ કેવા થનગની ઉઠ્યા છે એ દરેકે લીધેલો નિરાંતનો શ્વાસ…. હાશ…
OP 24.2.22
***
Vijay
17-04-2022
ખૂબ જ સરસ …
પ્રફુલ્લ પંડ્યા
25-02-2022
કવિશ્રી કૃષ્ણ દવે હંમેશા સાંપ્રત સાથે ચાલનારા અને રોજબરોજની ઘટનાઓમાંથી કશુંક નવું નીપજાવીને આપનારા કવિ છે.તેમનું આ કાવ્ય ” નાની નાની સ્કૂલબેગની” સુંદર લયાત્મક અનુભૂતિને શબ્દસ્થ કરે છે.કોરોનાની થઈ રહેલી વિદાયનું આ રાહત કાવ્ય મનને પ્રસન્ન કરે છે.કવિશ્રીને હાર્દિક અભિનંદન !
સાજ મેવાડા
24-02-2022
આદરણીય લતાજી આપે સરસ નોંધ લીધી કવિ શ્રી કૃષ્ણ દવેની કાવ્ય પ્રતિભાની. ‘ઠાઢક વળે’ એવું જ થયું છે.
છબીલભાઈ ત્રિવેદી
24-02-2022
આજનુ ક્રુષ્ણ દવે નુ કાવ્ય ખુબજ ગમ્યું સ્કુલો ખુલી અને રંગબેરંગી પતંગિયા આમતેમ ઉડવા લાગ્યા બાળકો નો કિલકિલાટ ભર્યોઉત્સાહ જોઇ હૈયુ આનંદ થી નાચી ઉઠે છે ખુબ ખુબ અભિનંદન
