
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ભણવાના કારખાના ધમધમતા રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની
મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું
પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
સીધેસીધું તો કદી મળવાનું નહીં
થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ
ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર
અને ભાષણ તો કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય
એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ
જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
~ કૃષ્ણ દવે

વાસ્તવિક અભિવ્યક્તિ..
Oh My God ! So True So Touching But Than Can This Open Eyes Of Our Educators
કૃષ્ણ દવે હંમેશા સાંપ્રતકાળને લઈને ઈશારો કરતા રહે છે.
બાળપુષ્પોની શાળાના પગથીયે કેવી દશા હોય છે અને શિક્ષણને વેપાર સમજનારા કેવા હોય છે તે વર્ણવ્યું છે.
સાવ સરળ ભાષામાં કવિ પોતાનું કામ પાર પાડે છે.સરસ રચના.
વાહ ખુબ ખુબ અભિનંદન સરસ રચના
ખૂબ જ સ્ટીક રીતે આજની શાળાઓ અને ભણતર ઉપર કરેલી રચના છે.
સરળ ભાષામાં અભિવ્યક્તિ એ કૃષ્ણ દવેની કવિતાનું આગવું લક્ષણ છે. એટલે એમની રચનાઓ જનજન સુધી પહોંચી છે.
કટાક્ષ સભર વેધક વિદ્રોહી કાવ્ય રચના