કૈલાસ પંડિત ~ ક્યારે પૂરા થશે મનના કોડ * Kailas Pandit * સ્વર ~ Nisha Upadhyay * Soli Kapadia

🥀🥀

ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ…….

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ   –

~ કૈલાશ પંડિત

સામાન્ય રીતે વ્યથાની આક્રોશપૂર્ણ રજૂઆત કરતા કવિ કૈલાસ પંડિતનું આવું મજાનું રમતીલું ગમતીલું ગીત સુખદ ક્ષણોને વેરી જાય. કોડીલી કન્યાનું સાહ્યબાને મીઠું નિમંત્રણ આપતું આ ગીત એ બધી જ સંવેદનાઓને છલકાવે છે જે એક કુંવારી છોકરીના હૈયામાં, શમણામાં હોય.

બહુ અદભુત છે આ શમણાઓની દુનિયા !! બહુ રંગીન છે આ પતંગિયા જેવાં સપનાં !! આકાશમાં ઊગતો સૂરજ, બાગમાં ઘેલો થને ફૂલોથી ખેલે છે. કન્યાએ એના કાનમાં પોતાની વાત માંડીને કરવી છે કે મારા જોબનનું પરોઢ ઊગી ગયું છે. એની એક ક્ષણ પણ તું વેડફીશ નહીં. તારી પળભરની દૂરી પણ હવે મારા ફાટફાટ થતા અરમાનોથી સહન થતી નથી. સાહ્યબા, તું ક્યારે પૂરા કરીશ મારા મનના કોડ ?

ઝરણામાં નદી ને નદીમાં સાગર ભળે છે, મળે છે, ગળે વળગે છે. પ્રકૃતિના બધાં જ તત્વો મિલન અને માત્ર મિલનના રૂપકો છે. ચાંદાને જો સાગર ઊછળે ને ધરતીનો છેડો આભે અડવા જાય ! પછી મારે અને તારે શા માટે જુદાં રહેવું ? શા માટે જુદાઇના ઝેર પીવા ? જે મનમાં ઉછળે છે એ વહાવી જ દઇએ, આચરી જ લઇએ. જો કે અહીં સ્વચ્છંદતા નથી. વાત ભલે મિલનની છે, ઝંખના પણ મિલનની છે, એ સ્વાભાવિક છે પણ લાડ જરાં જુદા છે. ઇશારો પકડવાનો છે પણ શબ્દો છે, ‘હમણાં તો હાથ મારો છોડ !!” રૂઢિઓ ભુલાતી નથી.. મિલન આડેનો અવકાશ ઓળંગવો છે પણ એક સાચી રસમથી… પૂરી મર્યાદાથી.. નાયિકા ભાન ભૂલી છે પણ પૂરેપૂરું ભાન છે. એટલે જ કહે છે, લગ્ન અને ગૃહસ્થીની અભિવ્યક્તિ સરસ ર્રીતે છે. સાહ્યબા, મહેંદીથી મારી હથેળીઓને લાલચટક કરીને, આંગણામાં તુલસી વાવવાના મારા કોડ તું જલ્દી પૂરા કર…

સીધું સાદું પણ ભાવનાની ભરતીથી છલકાતું આ ગીત ભાવકના હૈયાને ઊર્મિઓના હિલોળે ચડાવે એવું છે.

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 116 @ 17 ડિસેમ્બર 2013

સ્વર : નિશા ઉપાધ્યાય – સોલી કાપડિયા  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top