કૌમુદિની શુક્લ

તાળું ખોલતાં જ

હાઉક કરતી નટખટ ધૂળ

અંતરંગ સખી બની વળગી પડી !

સ્વગૃહ-પ્રવેશની એક ક્ષણમાં

કડવી, નકામી સ્મૃતિઓ સરી ગઇ !

પોતીકા સ્થળે પાછા ફરવું

કેટલું સુખદ

કેટલું જાજરમાન લાગે છે !

~ કૌમુદિની શુક્લ

એક સ્ત્રી જ લખી શકે એવી કવિતા, એક સ્ત્રી જ અનુભવી શકે એવા મનોભાવ. દરેક સ્ત્રીને પોતાની જ વાત લાગે એવી સાવ નાનકડી, સરળ છતાં સ્પર્શી જતી કવિતા.

બહારગામ જતી સ્ત્રી હંમેશા ઘરને પોતાની છાતીએ વળગાડીને સાથે જ લઇ જતી હોય છે. પોતાના જવા અંગે એ જેટલી તૈયારી નહીં કરે એટલી તૈયારી એણે પોતાનું ઘર છોડતાં કરવાની હોય છે. આ કાવ્યમાં બે મજાની વાત ડોકિયું કરીને નમણાશથી વીંટળાઇ વળે છે. એક છે પોતાની એટલે કે ગૃહિણીની ગેરહાજરીમાં ઘરમાં પ્રસરી ગયેલી ધૂળ અને બીજી વાત સ્વગૃહે સુખદ પ્રવેશ. અહીં મજાની વાત એ છે કે જે ધૂળથી ગૃહિણી રોજ કંટાળતી હોય છે એ જ ધૂળ બહારથી પાછાં ફરતાં અંતરંગ સખી લાગે છે. કારણ બસ એક જ કે ધરતીનો છેડો ઘર. સ્વગૃહ પ્રવેશ આમેય સુખદાયી જ હોય છે. સફરની કડવી મીઠી સ્મૃતિઓ સરી પડે છે.

ઘર એમાં રહેનારાઓ માટે એ માત્ર છત, દિવાલો અને બારીબારણાં જ નથી, એક ચેતનતત્વ છે અને ગૃહિણી માટે તો એ પોતાનું અંગ જ. જે બહાર ગયા પછી એ વધારે બળુંકું અને બોલકું બની જાય છે. સ્ત્રીને માટે આ સનાતન સત્ય છે કે પ્રવાસમાં ઘર સતત સંતાકૂકડી રમ્યા કરે રાખે ને ઘરમાં પ્રવેશતાં હાઉક કરે પોતાપણું….  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “કૌમુદિની શુક્લ”

  1. વાહ સ્ત્રી ના સમર્પણ ની અદભૂત વાત આપે કહી તે જેટલી બહાર જવાની તૈયારી નથી કરતી તેટલી ઘર છોડીને જવાની કરે છે ઘર ને હમેશા સાથે લઇ ને ફરે છે સલામ આ કવિતા ને

  2. હરીશ દાસાણી.મુંબઈ

    સુંદર લઘુકાવ્ય.વિનોદિની નીલકંઠે પોતાના ઘરનું નામ જ-“હાશ”-રાખેલ,તે યાદ આવે.

  3. ‘ધરતીનો છેડો ઘર’ ને ચરિતાર્થ કરતું નાનકડું કાવ્ય.અભિનંદન.

Scroll to Top