ખલીલ ધનતેજવી ~ એના ઘરની & એની આંખોમાં * Khalil Dhantejavi

સામે હતી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી

એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી

ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી

હું જ અંધારાના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી

મિત્રને શત્રુની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી .

~ ખલીલ ધનતેજવી

એની આંખોમાં

એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!

આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!

જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!

એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!

~ ખલીલ ધનતેજવી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ખલીલ ધનતેજવી ~ એના ઘરની & એની આંખોમાં * Khalil Dhantejavi”

  1. ખલીલ સાહેબ જ્યારે ગઝલનું પઠન કરતા ત્યારે એક સમા બંધાઈ જતો. વંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    ખલીલની ગઝલો પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સેતુ છે. સીધો સચોટ ઘા કરી રમ્ય ખલેલ કરનારી.

Scroll to Top