ગજેન્દ્રરાય બુચ ~ અધૂરું * Gajendra Buch

અધૂરું

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધૂરી પાંખો આ ગગન મહીં મારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના –  
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈ પ્યાલા અધર અડકીને ઢળી જતા, –
તરંગોના રંગો ઊડી ઊડી ઉષા-શા ગળી જતા;
મરુભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં –
અધૂરાં એવાં મેં જીવન સમણા જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી –
હવે કાં ઝંખાવે? – અમૃત તણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.

~ ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ 15.9.1902 – 10.11.1927

‘ગજેન્દ્રના મૌક્તિકો’માંથી

ગુજરાતી કવિ. જ્ઞાતિએ વડનગરા નાગર. સૂરતની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. એમના જીવન અને વિચાર પર બહાઉદ્દીન કૉલેજના સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક મહાદેવ મલ્હારરાવ જોષીની પ્રગાઢ અસર હતી. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું એમનું વાચન વિશાળ હતું.

એમની માત્ર એક જ કૃતિ નામે ‘ગજેન્દ્રમૌક્તિકો’ 1927માં રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક (1895–1960) દ્વારા પ્રસ્તાવના સહિત સંપાદિત થયેલી મરણોત્તર પ્રગટ થઈ છે. તેમાં કાવ્યો, નિબંધો, પત્રો આદિ સંગ્રહાયેલાં છે. એમાં મૌલિક અને અનૂદિત મળી સાઠેક કાવ્યરચનાઓ છે. આ કાવ્યોની રચના એમના જીવનના 1922થી 1927 સુધીનાં 5 વર્ષના ગાળામાં મુખ્યત્વે થયેલી. તેમાંય છેલ્લા વર્ષમાં થયેલી એમની રચનાઓ મહત્વની છે. આરંભમાં એમનાં કાવ્યોમાં પંડિતયુગના નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત, કલાપી, બોટાદકર આદિ કવિઓની છાયા છે. પછીથી એમની વૈયક્તિક સાહજિક, સરળ, પ્રૌઢ, અર્થઘન શૈલીની છટા પ્રગટ થાય છે. ‘ગિરનારની યાત્રા’ કવિનું સૌથી વિશેષ મહત્વાકાંક્ષી ચિંતન અને પ્રકૃતિને ગૂંથતું પ્રલંબકાવ્ય કેટલીક સુંદર કલ્પના અને ચિત્રાત્મકતાથી સભર છે. એમનાં કેટલાંક ચિંતનપ્રધાન અને ભાવનાપ્રધાન કાવ્યો પણ ધ્યાનાર્હ છે. એમના નિબંધોમાં સરળતા અને પ્રાસાદિકતા અને પત્રોમાં સ્વાભાવિકતા અને હૃદયની કુમાશ વર્તાય છે. ~ મનોજ દરુ

ગુજરાતી વિશ્વકોશમાંથી સાભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ગજેન્દ્રરાય બુચ ~ અધૂરું * Gajendra Buch”

  1. 'સાજ' મેવાડા

    શિખરિણી છંદમાં ખૂબ જ સરસ સોનેટ.

Scroll to Top