ગની દહીંવાલા ~ આત્મબળ જીવનસફરમાં * Gani Dahiwala

 આત્મબળ

આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.

લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.

જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે.

જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.

કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો.
જે રીતે સંધા-ઉષાના રંગ મોહક હોય છે.

તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.

આમ જનતાના હૃદયમાં જઈને લાવે પ્રેરણા,*
હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.  

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top