ગની દહીંવાલા ~ ન તો કંપ છે * Gani Dahiwala

ન તો કંપ છે ધરાનો ~ ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.

– ગની દહીંવાલા

શાયર ગની દહીંવાલાના જન્મદિને એમની આ અદભૂત ગઝલ રાગ મહેતાના સ્વરમાં. 

OP 5.3.22

કાવ્ય : ગની દહીંવાલા  સ્વર : રાગ મહેતા  

***

દીપક વાલેરા

09-03-2022

Great

છબીલભાઇ ત્રિવેદી

06-03-2022

ગની દહિવાલા નીગઝલ ખુબ સરસ ગની દહીં વાલા ની ગઝલો ખુબજ લોકપ્રિય છે એટલે સાંભળવા ની મજા આવે છે

દીપક વાલેરા

06-03-2022

અદ્ભૂત

સાજ મેવાડા

05-03-2022

ખૂબ જ સુંદર ગઝલ અને એવું જ સુંદર સ્વરાંકન અને ગાયન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top