કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઈને બીજાય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભાય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદનાય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિનાય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાંય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણાય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવાય થાય.
~ ગની દહીંવાલા
