ગની દહીંવાલા ~ ગાવું જીવનગીત * Gani Dahiwala

જીવનગીત ~ ગની દહીંવાલા

ગાવું જીવન-ગીત, મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત?
મારે ગાવું જીવન-ગીત.

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વયં છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયાનો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top