ગની દહીંવાલા ~ જિંદગી પર * Gani Dahiwala

બહુ સારું થયું ~ ગની દહીંવાલા

જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું,
ચિત્ર અંધારે ન દેખાયું, બહું સારું થયું.

હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું.

જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,
‘દિલ’ કહી એને નવાજાયું, બહુ સારું થયું.

હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનો ક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.

આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.

શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.

શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.

વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.

જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top