ગની દહીંવાલા ~ ઝાકળની દશામાં * Gani Dahiwala

પાવન કોણ કરે ? ~ ગની દહીંવાલા

ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !

શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !

પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !

દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !

દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત દુનિયાના, અંધારને રોશન કોણ કરે !

કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને, દિવસે એ વિસર્જન કોણ કરે !

ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે પોતે પાપ કરી, સંસારને પાવન કોણ કરે !

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top