ગની દહીંવાલા ~ તમે આકૃતિ * Gani Dahiwala

પડછાયો ~ ગની દહીંવાલા

તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો….તમે….

તમે વિહરનારા અજવાળે, હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી;

શીતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઊભા ત્યાં હું પથરાયો….તમે…

રાતદિવસના ગોખે દીવડા નિજ હાથે પ્રગટાવો !
એથી અદકું ઓજસ લૈને અહીં વિહરવા આવો;

લખલખ તેજે નયન ઝગે તમ,
કાજળ થૈને હું અંજાયો….તમે…

આંખ સગી ના જોઈ શકે જે, એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;

પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
આજ મને સાચો સમજાયો ! તમે….

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top