રંગીન પરપોટા થયા ~
અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા થયા.
ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.
ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.
ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.
રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.
ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.
આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.
~ ગની દહીંવાલા
