કાલ કેવી આવશે, કોને ખબર ?
કોણ કેવું ફાવશે, કોને ખબર?
ડાળ પરથી પંખીઓ ઊડી ગયાં,
ત્યાં જ પાછાં આવશે, કોને ખબર?
એ પ્રથમ કરશે જતન તો ઝાડનું,
‘ ને પછી છોલાવશે, કોને ખબર?
જે ક્ષણો આપી ગઈ છે ભવ્યતા,
એ ક્ષણો હંફાવશે, કોને ખબર?
છેક છેલ્લાં શ્વાસની એ ક્ષણ હશે,
એ મને બોલાવશે, કોને ખબર ?
– ગિરીશ રઢુકિયા
કવિએ મનમરજીથી લખેલી ગઝલ હોય એમ લાગે છે પણ આ અનિશ્ચિતતાના વાતાવરણમાં બધા જ શેર સાંપ્રત બની ગયા છે. કાલ કેવી આવશે ? કોઈને ખબર નથી. ‘કેમ છો ?’ ના જવાબમાં ‘હજી સુધી તો સ્વસ્થ છીએ’ લગભગ દરેકની જીભે છે. કર્મનો સિદ્ધાંત કહે છે, માણસ જે માયા લઈને ગયો હોય, એમાં જ એ પાછો ફરે છે ! હા, પણ એની કોઈને ખબર નથી, એની કોઈ સાબિતી નથી ! આવતીકાલને કોઈ જાણતું નથી, અરે આવતી પળની પણ ક્યાં ખબર છે ? ત્યારે કવિ ક્ષણોની અનિશ્ચિતતા માટે સરસ વાત કરે છે ….
14.5.21
***
છબીલભાઈ ત્રિવેદી
18-05-2021
સાંપ્રત સમયમાં હવે કોઈ પણ ને પુછો તો કહે અત્યાર સુધી તો બરાબર છીએ તેવાત ખુબજ સાચી છે આજના કાવ્ય મા આ વાત કવિ એ ખુબજ અસર કારક રીતે રજુ કરી છે આભાર લતાબેન.
Neha Bhavesh Solanki
17-05-2021
Waaaaah
ગિરીશ રઢુકિયા
16-05-2021
કાવ્યવિશ્વ થકી સાહિત્યની ઉત્તમ સેવા થઈ રહી છે, સાહિત્યના વિવિધ સ્વરૂપોને આવરતી રૂપરેખા, લતાબેનનો બહોળો અનુભવ અને સાહિત્યની ઊંડી સમજ કાવ્ય વિશ્વને રસાળતા અર્પે છે જે ભાવકોને વિવિધ ભાવોથી રસ તરબોળ કરે છે. ભાવકોમાં પણ કાવ્યવિશ્વને લઇને ઉત્સાહ છે. લતાબેનને અભિનંદન, રાજીપો
કુમાર જૈમીની શાસ્ત્રી
14-05-2021
લિટરરી daily જેવું ઉમદા કામ. હાર્દિક અભિનંદન. શુભેચ્છાઓ. નિયમિત જોઈ શકતો નથી. પણ શુભેચ્છાઓ.?
