
અસ્તિત્વની કોમલ રેખ સુન્દર
આંકી દીધી પીંછી તણે લહેકે
એ રેખના રેલમછેલ છાંટા
મહીં ઝીલાયા સ્વર પંખીઓના
ને મોગરાની ખીલતી સુગન્ધી
એના વળાંકે હસતી મહોરી
કલ્લોલતો લોલ વિભોર એના
રંગો મહીં તરવરતો પ્રકાશે
અસ્તિત્વની કોમલ રેખ વિસ્તરે વિશ્વે
અને સૌ નિજમાં સમાવી લાડીલી થઇ શી
મારી અહો કૂખ મહીં લપાયે…
~ ગીતા પરીખ
*****
મારા લાડકવાયા લાલ સૂઇ જા ! સૂઇ જા !
મારા ઉરનાં અબીલગુલાલ, સૂઇ જા ! સૂઇ જા !
તારી કૂણી કૂણી પાની, એ તો પગલી માંડે છાની, નવજીવનને પગથાર
રૂમઝૂમતી તવ મૃદુ ચાલ, સૂઇ જા ! સૂઇ જા !
મારા લાડકવાયા લાલ, સૂઇ જા ! સૂઇ જા !
તારી ટગમગતી બે આંખો, જાણે ઊડતી પરીની પાંખો, એ તો ગગને ભરતી ફાળ
તારા ગુલાબ-દલ શા ગાલ, સૂઇ જા ! સૂઇ જા !
મારા ઉરનાં અબીલગુલાલ, સૂઇ જા ! સૂઇ જા !
આ પારણિયું ઝમઝમ ઝૂલે, ને નિંદરની દુનિયા ખૂલે, રમે શમણાંને દરબાર
પાંપણ પે ઢળતું વ્હાલ, સૂઇ જા ! સૂઇ જા !
મારા ઉરનાં અબીલગુલાલ, સૂઇ જા ! સૂઇ જા !………….
~ ગીતા પરીખ
કવિની પૂણ્યસ્મૃતિએ વંદના
ખુબ સરસ મજાની બન્ને રચના વંદન
બંને રચનાઓ ખૂબ સરસ, સમૃતિ વંદન
દીકરી અને દીકરાને લાડ કરતી બંને રચના ખૂબ સરસ.
લાગણીમય