સંજુ વાળા ~ વિચાર્યું પણ ન હો & ન પૂછીએ કંઈ * Sanju Vala   

તો શું કરો ?

વિચાર્યું પણ ન હો એ સામે આવે તો શું કરો ?
એ તેલ, તાપણાં વિનાય તાવે તો શું કરો ?

કશું જ સાંભળે ના, ના જણાવે તો શું કરો ?
મીંચીને આંખ ધોધમાર આવે તો શું કરો ?

કવેણ-વેણનાં નથી તમા કે ટાળો કંઈ
ધરાર કડવું ઝેર, સંભળાવે તો શું કરો ?

છે બાપે માર્યાં વેર, ઊર્મિ ને ઉમળકાથી
બધેથી થોડું – થોડું ઉઘરાવે તો શું કરો ?

ખરે જ હોય ખાતરી કે વ્યર્થ છે મહેનત
છતાંય કોઈ મૂઈ માને ધાવે તો શું કરો ?

ન ભાન સાન જેને વસતિ-વનનાં છે સ્હેજે
એ તમને પંખી સમજીને પઢાવે તો શું કરો ?

મનુષ્ય નામનું તિલક હો જેના ભાલે એ
સમગ્ર મનુષ્ય જાતને લજાવે તો શું કરો ?

~ સંજુ વાળા

કૈં…

ન પૂછીએ કંઈ જ, નથી જાણવું કૈં
સહજ ચાલ્યા કરવું નથી પામવું કૈં

નહીં સાધુતા કે ન હો જાપવું કૈં
ગરથ જ્ઞાનનું નહિ, ના આરાધવું કૈં

નિયમ,આચરણ,ધ્યાન,સતસંગ,રોજા-
પરેજી ના કોઈ, નથી લાંઘવું કૈં

અહાલેક અથવા તો અલ્લાહુ અકબર
ભલે એક હો પણ ના આલાપવું કૈં

બને તો કૈં એવું કરી છૂટવું કે-
કશું પણ ન લેવું સતત આપવું કૈં

પુરાતનનો વ્યામોહ, ઘખના નવાની
જતન કે ઉથાપન કે ના સ્થાપવું કૈં

વિચારો ને વ્યવહાર, વાણીય નૂતન
હજો આંગળીથી નિતરતું નવું કૈં

~ સંજુ વાળા

કવિશ્રી સંજુ વાળાને જાણીતા કવિ અને રવિભાણ સંપ્રદાયના કહાનવાડી જગાના ગાદીપતિ શ્રી દલપત પઢિયારના વરદ હસ્તે

પ્રથમ ‘કવિવર રમેશ પારેખ એવોર્ડ’

૨૭મી નવેમ્બર ૨૦૨૩, અમરેલી

સુપ્રસિદ્ધ વૈષ્ણવાચાર્ય ૧૦૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના વરદ્ હસ્તે કવિશ્રી સંજુ વાળાને

‘વિપો-જયંતોર્મિ સાહિત્ય ગૌરવ એવોર્ડ’ – ૨૦૨૩

૧૧મી ડિસેમ્બર – ૨૦૨૩, વડોદરા

કવિશ્રી સંજુ વાળાને અઢળક અભિનંદનો અને શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

14 thoughts on “સંજુ વાળા ~ વિચાર્યું પણ ન હો & ન પૂછીએ કંઈ * Sanju Vala   ”

  1. હરીશ દાસાણી

    પરંપરા અને આધુનિકતા બંનેનો સુંદર સમન્વય કરનાર અને સત્વશીલ સાહિત્યના ઉપાસક સંજુ વાળાને અભિનંદન.

  2. કાવ્યબાનીનની આગવી શૈલી ધરાવતા કવિને અભિનંદન અને શુભેચ્છાઓ.

  3. અર્જુનસિંહ કે રાઉલજી

    વાહ હાર્દિક અભિનંદન

  4. રમેશ પ્રજાપતિ. ભરૂચ.

    ખૂબ ખૂબ અભિનંદન, સંજુવાલા સાહેબ ને…. રમેશ પ્રજાપતિ. ભરૂચ તરફથી.

  5. ઉમેશ જોષી

    મારો સાક્ષીભાવ વ્યક્ત કરું છું ્

  6. સંજુ વાળા

    ખૂબ ખૂબ આભાર લતાજી

    ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો.
    🌹🌹

Scroll to Top