તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !
કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.
ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.
ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.
– ગુણવંત વ્યાસ
ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક, વાર્તાકાર, નિબંધકાર અને સર્જનકથાકાર ગુણવંત વ્યાસનું શિખરિણી છંદમાં આ સોનેટ શબદ અને શબ્દ બંનેનો અદભૂત મહિમા કરે છે. જુઓ આ બે પંક્તિઓ – ‘તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે’ અને ‘કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો’.
શબ્દના અર્થનો તાગ પામવો અઘરો છે અને શબદ તો જેણે પામ્યો એણે પામ્યો. બાકી એની તલાશ કરવાથી એ ન મળે ! કવિને બસ શબદનો સાથ જોઈએ છે. નિરંતર એની સાથે રહેવું છે. આખરે એક સર્જક શબ્દથી દૂર રહી જ ન શકે. આ ઝંખનાને તીવ્ર રીતે વ્યક્ત કરતાં કવિતાકલા પણ કેવી ખીલી ઊઠી છે !
8.5.21
***
પરેશભાઈ ઘીરૂભાઇ અધ્વર્યુ
09-05-2021
ગુણાભાઈ દિવસના ખૂબ જ પ્રેરણાદાયી મને તો લાગે છે અને શબ્દો ને એમને જે રીતે આખું પૃથક્કરણ કર્યું છે શબ્દ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ગમ્યું જરૂર આ માત્ર આનંદ માટે નથી પણ ઉપરનો એક શબ્દ સતાપર આનંદથી આરંભ થયો છે એટલે આનંદમાં છું
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
08-05-2021
કવિ શ્રી ગુણવંત વ્યાસનું સોનેટ કબીર ના ‘શબદ’ની વાત કરે છે, ખૂબ જ.માર્મિક, અને સરસ આસ્વાદ રસ પણ.
Rekha bhatt
08-05-2021
રોજ સવારે હું વિચારતી હોઉં છું કે આજે લતાબેન કઈ કવિતાઓ મુકશે? એકદમ અલગ અને મસ્ત કવિતા વાંચીને શરૂ થાય છે મારો દિવસ. પાછો આસ્વાદ પણ. આનંદ આનંદ. ?લતાબેન અવિરત આ કામ કરવા માટે અભિનંદન અને આભાર.
~ આભાર રેખાબેન. – લતા હિરાણી
